આજનો આ૫ણો લેખ જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ (jivan ma tahevar nu mahatva in gujarati) લેખન અંગેનો છે. ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે. તેથી જ તો ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં જીવનમાં તહેવારો નું મહત્વ અથવા તો આપણા તહેવારો અને ઉત્સવો વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ (Importance of festivals essay in Gujarati) વિશે વિસ્તુત નિબંઘ લેખન કરીએ.
જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ (tahevar nu mahatva gujarati nibandh) :-
માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આ૫ણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી ૫ડે છે. આ જવાબદારીઓમાં માણસ એટલો બઘો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા-ફરવા કે મનોરંજન વિગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે.
આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે. તથા જીવનમાં આનંદ-ઉલ્લાસ અને નવીનતા નો સંચાર કરે છે. તહેવારો સામાજિક માન્યતાઓ, ઘાર્મિક પરંપરાઓ અને સંસ્કારો પર આધારિત હોય છે. જેવી રીતે દરેક સમુદાય, જાતિ અને ધર્મની અલગ-અગલ માન્યતાઓ હોય છે તેવી જ રીતે આ તહેવારો ને મનાવવા માટેની પણ અલગ-અલગ ૫રં૫રા હોય છે.
ઉત્સવ પ્રિય જના:. એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે. આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજા નો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહયો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહાત્મ્ય જોડાયેલા છે.
રોજીંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ, નિર્જીવ બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે.
દરેક તહેવારોની પોતાની અલગ અલગ ઘાર્મીક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારનું આગવુ મહત્વ રહેલુ હોય છે. જેથી સમાજનો દરેક સમુદાય અલગ-અલગ સમયે આ તહેવારોમાં ભાાગ લે છે. દરેક વ્યક્તિમાં તહેવારના આગમન થી ખુશી હોય છે. વિધિ વિધાનથી અને ખૂબ જ આનંદથી તે તહેવારમાં ભાગ લે છે.
દરેક તહેવાર તેની વિધિ અને પરંપરા સાથે સમાજ, દેશ અને રાષ્ટ્ર માટે કંઈક વિશેષ સંદેશ પણ આપે છે. ભારતમાં વિજયાદશમીનો તહેવાર જેવી રીતે અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે. દિવાળી એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ. નવરાત્રી નવ દિવસ દુર્ગાપૂજા, શક્તિ સ્વરૂપા અંબા-બહુચર- મહાકાળી માતાની આરાધના અને રાસ-ગરબા ગાવાનું મહત્વ. મહાશિવરાત્રીમાં મહાદેવની પુજા અને દાન તેમજ દયાભાવના નું મહત્વ. મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને દાન-પુણ્યનું મહત્વ. તે જ રીતે રક્ષાબંધનનું પાવન પર્વ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમ અને ભાઈના બહેનની આજીવન રક્ષા કરવાના સંકલ્પને યાદ અપાવે છે. આવી જ રીતે રંગોનો તહેવાર હોળી આપણને સંદેશ આપે છે કે, ૫રસ્પર કઠોરતાને ભૂલીને દુશ્મનો ને પણ પ્રેમ કરીએ.
જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
ઇસાઇઓનો તહેવાર નાતાલ સંસારમાં પાપના અંધકારને દૂર કરવાનો સંદેશ આપે છે. તો મુસલમાન નો તહેવાર ઈદ ભાઇચારાનો સંદેશ આપે છે. આ રીતે દરેક તહેવારની ઉજવણી પાછળ સમાજના ઉત્થાન નો કોઈ ને કોઈ મહાન ઉદ્દેશ છુપાયેલો હોય છે. તહેવારોના કારણે લોકો એકબીજાથી નજીક આવે છે. ૫રસ્પરનો તણાવ ઘટે છે. તહેવારના સમયે દાન આપવા અને સત્કર્મ કરવાની પરંપરા છે.જેથી સમાજમાં સમરસતા આવે છે.
ભારતના તહેવારો ની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિ બંદૂ સાથે ઋતુ અને ચોક્કસ આયોજન કોઇને કોઇ વાર્તા કે ઇતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગ દોરવાના, સામાજિક તહેવારો લોકોમાં પ્રેમભાવ અને સામાજિક સેવાઓ ના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જગાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો ”તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ. વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણ રાખી શકીએ છીએ. ઋતુ ફેરફાર નો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા ભેરું છે.”
આ તહેવારો મનુષ્યના જીવનને આનંદથી ભરી દે છે. તહેવારોથી માનવજીવનની નિરશતા દુર થાય છે. અને માનવ જીવનમાં એક નવીનતાનો સંચાર થાય છે. તહેવારોના આગમન પૂર્વે જ મનુષ્યની ઉત્કંઠા અને ઉત્સાહ તેનામાં એક સકારાત્મક અને સુખદ પરિવર્તન લાવવાનું પ્રારંભ કરી દે છે. તે પોતાની આળસ અને નિરશતાને ત્યાગીને ખૂબ જ ઉત્સાહ સાથે તહેવારની પ્રતીક્ષા કરે છે.
જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
તહેવારના શુભ અવસર પર ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નવા વસ્ત્રો ધારણ કરે છે અને બધા જ દુઃખો અણબનાવો ને ભૂલીને તહેવારમાં ખુશીઓ મનાવે છે. તહેવારમાં પંડિતો, ગરીબો અને અન્ય લોકોને દાન વગેરે આપીને સંતુષ્ટ કરવાની પ્રથા પણ સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડે છે. ભૂખ્યાને ભોજન, ગરીબને વસ્ત્ર વગેરે વેચીને લોકો સામાજિક સમરસતા લાવવા પ્રયાસ કરે છે.
તહેવારો પારિવારિક સામાજિક અને રાષ્ટ્રીય એકતા માં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તહેવારોનો આનંદ ઔર વધી જાય છે કે જ્યારે પરિવારના બધા જ સભ્યો એકસાથે તહેવારમાં હિસ્સો લે છે. પરિવારના સભ્યોના તહેવારના શુભ અવસર પર એકત્રિત થવાથી કામની વ્યસ્તતા ના કારણે જે અબોલા કે પરસ્પર તણાવ ઉત્પન્ન થયેલ હોય છે તે પણ સમાપ્ત થઈ જાય છે. આવા વિશેષ પારિવારિક સંસ્કાર નો બાળકો પર ઉત્તમ પ્રભાવ પડે છે.
તહેવારોને સમાજના બધા જ વર્ગો સાથે મનાવવામાં આવવાથી સામાજિક એકતા માં વધારો થાય છે. આપણા રાષ્ટ્રીય તહેવારો જેવા કે પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ, બાળ દિવસ, શિક્ષક દિવસ, ગાંધી જયંતી આ બધા તહેવારો તમામ જાતિ ધર્મ અને સંપ્રદાયના લોકો એકબીજા સાથે મળીને ખુશીથી મનાવે છે.
આ અવસર પર આખો દેશ મહાપુરુષો અને દેશભક્તોને યાદ કરે છે કે, જેમણે દેશને સ્વતંત્ર કરવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આ પ્રકારે આપણા રાષ્ટ્રીય પર્વ દેશને એક સૂત્રતા થી બાંધી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા તહેવારો રાષ્ટ્રીય એકતા અને મજબૂત કરે છે. ભારતીય નાગરિકના મનમાં દેશ પ્રેમ અને બંધુત્વની ભાવના જગાડે છે.
આપણા તહેવારો આપણી ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને ભારતીય સભ્યતાનું પ્રતીક છે. આ તહેવારો આપણી સાંસ્કૃતિક ધરોહર છે. આ તહેવારોના કારણે જ આપણી સંસ્કૃતિ ની વાસ્તવિક ઓળખાણ થાય છે. એ પ્રકારે જોઈએ તો તહેવારોનું આ૫વા જીવનમાં તહેવારો નું મહત્વ અનેરુ છે. આ તહેવારો આપણી નિરસતા ને દુર કરે છે અને જીવનમાં નવા ઉત્સાહ અને ખુશી નો રસ ભરી દે છે તેનાથી વધુ કહીએ તો આપણી પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આપણે બધા ભારતીય નાગરિકો નું એ કર્તવ્ય છે કે, આપણે તહેવારોને સાદગી અને પવિત્રતાથી મનાવીએ. આપણા નીજી સ્વાર્થ છોડી તેની છબી ખવડાવીએ નહીં. એ તત્વો નો બહિષ્કાર કરીએ કે જેનાથી દેશ અને સમાજની ગરિમાને હાનિ થાય છે.
તહેવારો ને મનાવવાની આ પદ્ધતિમાં જેવી વિકૃતિઓ આવેલ છે જેવી કે, મદિરાપાન, જુગાર રમવો, ઘ્વની પ્રદૂષણ અથવા તો વાયુ પ્રદૂષણ, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવું, ગંદકી કરવી વિગેરે વિકૃતિઓને સમાપ્ત કરવી પડશે. આપણે તહેવારોને તેની મૂળ ભાવના સાથે મનાવીએ જેનાથી સુખ-શાંતિમાં વધારો થઇ શકે.
ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા ની પરંપરા અને પવિત્રતા જાળવી રાખી છે. તહેવારો પાછળનો મૂળ આશય હેતું કે કારણ વિસરાઇ ન જાય, પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ મુલ્યો ટકી રહે તે મહત્વનું છે. શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશા નું સ્વરૂપ આપી દીધું છે. વૃદ્ધો, બિમાર, વિદ્યાર્થીઓ, પ્રજાને અવરોધરૂપ થાય તેવી રીતે ઉત્સવો અને તહેવારો ની ઉજવણી ન કરવી. ખોટા દંભો, દેખા-દેખી, ભપકો અને આડંબર પ્રજાના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.
તહેવારો અને ઉત્સવોની પરંપરા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે એનું પોત પણ જળવાઈ રહે તે પણ અગત્યનું છે. શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનોએ આ એક વિશિષ્ટ જવાબદારી પોતાના શીરે ઉપાડી લેવી પડશે. દરેક સંસ્થાઓ કે સંગઠનોએ ધર્મના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખીને તહેવારોની ઉજવણી કરે તે જરૂરી છે. આમ આ૫ણા જીવનમાં તહેવારો નું મહત્વ અમુલ્ય છે.
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ (jivan ma tahevar nu mahatva in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને આપણા ઉત્સવો અને તહેવારો, ભારતના તહેવારો, ગુજરાતના તહેવારો તથા આપણા તહેવારો વિશે નિબંધ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.