વિશ્વ આદિવાસી દિવસ:- આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Contents
વિશ્વ આદિવાસી દિવસ (Vishwa Adivasi Diwas in Gujarti)
આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે. તેમ છતાં પણ અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
તેમ છતાં પણ તેમનામાં સાક્ષરતા દર ખાસ્સો વધ્યો છે. ૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતા દર ૬૨.૫% હતો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. તેમાં પણ મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો.
ગુજરાત રાજ્યનાં આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને હોય છે. કુટુંબનાં મહત્વના નિર્ણયો ઘરનાં વડીલો જ લેતાં હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ – પત્ની બન્ને ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમનાં રીત રિવાજો અનોખા હોય છે.
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો. પરંતુ મહાગુજરાત આંદોલન પછી જ્યારે મુંબઈ અને ડાંગ એ બેમાંથી કોને ગુજરાત રાજ્યમાં લેવું એ માટે ચર્ચા થવા લાગી ત્યારે ગાંધીવાદી એવા શ્રી ઘેલુભાઈ નાયકના પ્રયાસોથી ડાંગ ગુજરાતમાં આવ્યું અને મુંબઈ મહારાષ્ટ્રનાં ફાળે ગયું.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત, વસાવા, કુકણા, ધોડીયા, ચૌધરી, રાઠવી, તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી. તેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિને ‘તું’ કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
તહેવારો :-
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે. તેમનાં તહેવારો ખેતીની મોસમ પ્રમાણે આવે છે.
હોળી
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડાં એકઠાં કરી તેમાં થાંભલા જેવું એક ઊંચું લાકડું ઊભું કરવામાં આવે છે. આ લાકડાનાં સૌથી ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઈ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે જેને જેને મળે તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
પોહોતિયો
જ્યારે શિયાળામાં વાલનાં ડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને “ઉબાડીયા”ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે. ઉબાડીયું એ વલસાડ જિલ્લાની પ્રખ્યાત વાનગી છે. સમગ્ર શિયાળો તમને આની લારીઓ આખા રસ્તે જોવા મળશે.
ઉંદરીયો દેવ
ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી કોઈ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે. આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે. આજુબાજુ ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. પછી ઝોળી પકડનારા તે બે માણસો ઝોળી લઈને ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે. આની પાછળનો હેતુ અનાજને ઉંદરથી થતાં નુકસાનથી બચાવવાનો છે.
નંદુરો દેવ
વર્ષનાં પહેલાં વરસાદ સાથે આ તહેવાર સંકળાયેલો છે. પહેલાં વરસાદનાં આગમન પછી જ્યારે ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઈ હાનિ સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.
વાઘ દેવ
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારોમાં ગીચ જંગલ હતું ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. વાઘ એ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે. તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ તર્પણ કરાય છે.
ચૌરી અમાસ
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક થઈ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
દિવાસો
દિવાસો એ દક્ષિણ ગુજરાતમાં ઉજવાતો આદિવાસી સમાજનો ઘણો મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે, “દિ’ વાળે એ દિવાસો”. દિવાસાનાં દિવસથી સોમાં દિવસે દિવાળી આવે છે.
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે. તેમાં ઢીંગલા દેવની પૂજા કરવામાં આવે છે, તેમજ તેમનો ખૂબ ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવે છે.
આ ઉપરાંત પણ દક્ષિણ ગુજરાતનાં ઘણાં બધાં વિસ્તારોમાં આવો વરઘોડો કાઢવામાં આવે છે.
પારંપરિક દેવી-દેવતાઓ
દેવમોગરા માતા
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનું પવિત્ર યાત્રાધામ છે. પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા માટે લોકો આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
નોકટી દેવી
રાવણની બહેન રાક્ષસી શૂર્પણખાનું આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઈનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઈ છે.
પાંડોર દેવી
આ દેવીને તેઓ રક્ષકદેવી તરીકે પૂજે છે. તેને માતા પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. મોટા ભાગે આ માતાજીની સ્થાપના ગામની બહાર મોટા વૃક્ષની નીચે કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોનાં રમકડાં જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવું માનવામાં આવે છે.
કંસરી માતા
આ દેવીને તેઓ અન્નદેવી તરીકે પૂજે છે. અન્નપૂર્ણા માતાનું જે સ્થાન અન્ય સમાજમાં છે તે જ સ્થાન કંસરી માતાનું આદિવાસી સમાજમાં છે. કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછી જ એ અનાજને ખાવા માટે વાપરે છે.
દેવલીમાડી
દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલીમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો પૂજા કરવા જાય છે. ત્યાં દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો આવતાં હોય છે.
ભવાની માતા
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.
ઈંદલા દેવી
તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં સોનગઢથી ઉચ્છલ વચ્ચેના જંગલમાં ઈંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઈ વિગત નથી.
આવી બધાંથી અલગ તદ્દન અનોખી રીતભાત ધરાવતાં અને વિશ્વભરના મૂળ નિવાસી અને પ્રકૃતિપ્રેમી એવા આદિવાસીઓને પોતાનો હક્ક, અધિકારો અને સમાજમાં યોગ્ય દરજ્જો મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
આ દિવસની ઉજવણી દરમિયાન લોકોને આદિવાસીઓની વીરગાથા તેમજ એમણે આઝાદી દરમિયાન કે અન્ય કોઈ પણ રીતે કરેલ મહાન કાર્યો વિશે અન્ય લોકોને જણાવવામાં આવે છે.
ગુજરાતની વિરાસત એવા આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિનાં સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે.
સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરનાં માનગઢમાં ગુરુ ગોવિંદનાં નેતૃત્વમાં 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરનાં શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિતનાં આદિવાસી વીરોનાં બલિદાન વિશે લોકોને જણાવવામાં આવે છે. ડાંગના રાજાઓ પણ અંગ્રેજો સામે લડ્યા હતા.
આવા આદિવાસીઓની સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો અવસર એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’.
લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4
આ ૫ણ વાંચો:
હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ આદિવાસી દિવસ (vishwa adivasi diwas) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ આ૫ને આદિવાસી નો ઇતિહાસ, ગુજરાત આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીઓના તહેવારો વિગેરે વિશે જાણવા માટે ૫ણ અત્યંત ઉ૫યોગી બનશે. આવા અનેક લેખ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.