ઉંબાડિયું રેસીપી:- ખાવાનાનું નામ પડે અને મોંમાં પાણી ન આવે એવું ભાગ્યે જ બને! કહેવાય છે ને કે, “સુરતનું જમણ અને કાશીનું મરણ.” અને સાચે જ આ કહેવત સાર્થક પણ પુરવાર થાય છે. અવનવી વાનગીઓ અને એનાં વિવિધ કોમ્બિનેશન માટે તો હવે સુરત પ્રખ્યાત થઈ ગયું છે. પણ આજે વાત સુરતની નહીં વલસાડ જિલ્લાની કરવાની છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત એવા ઉંબાડિયાની વાત આવે ત્યારે એનાં પ્રેમીઓ પોતાને એ ખાવાથી ભાગ્યે જ રોકી શકે. આજે જોઈએ કેવી રીતે બને છે આ ઉંબાડિયું. અને કેમ લોકો તેને ખાવા માટે દૂર-દૂરથી આવે છે.
Contents
ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ અલગ અલગ મોસમ પ્રમાણે બનતી વાનગીઓ ખાસ હોય છે. ઠંડીની મોસમ આવે એટલે કચરિયા, ઉંધિયુ, ઉંબાડિયું વગેરે બનતા હોય છે. પરંતુ ચૂલા પર બનતા ઉંબાડિયાનો સ્વાદ કાંઈક હટકે જ હોય છે. તેની ખાસિયત એ છે કે તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે, જેમાં સામગ્રીથી ભરેલું માટલું રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.
સામગ્રી:-
- દાણાવાળી પાપડી
- લીલી મરચી
- આદુ-મરચાં
- સુરતી કંદ(રતાળુ)
- અજમો
- આંબા હળદરની બનેલી ચટણી
- મિડિયમ સાઈઝના બટાકા
- શક્કરિયા
- કોથમરી
- લીલી હળદર
- મીઠું સ્વાદાનુસાર
- સૂરણ(નાંખવું હોય તો)
આટલી વસ્તુઓ હશે તો જ ઉંબાડિયું સ્વાદિષ્ટ બનશે. એમાં પણ જો કોઈ પણ પાપડી લેવાને બદલે વલસાડ જિલ્લામાં મળતી કાળા વાલની પાપડી જો લેવામાં આવે તો ઉંબાડીયું વધુ સ્વાદિષ્ટ બને છે.
ચટણી બનાવવાની રીત:-
લીલી મરચી અને આદુ મરચાં અધકચરા વાટવા. વાટી લીધાં બાદ તેમાં જરુર મુજબનું મીઠું અને અજમો નાંખી દેવા. આંબા હળદરની ચટણી અને લીલી હળદર નાંખી દેવી.
નોંધ:- આમાં તીખાશ વધારે હોય તો ખાવાની મજા વધારે આવે છે.
સૌથી પહેલા તમારે નાના બટેટા આવે છે એ માપના બધા શાકના કટકા કરી લેવાના છે. તેમાં કાપ મુકીને તૈયાર કરેલી ચટણી ભરી દેવાની છે. બીજી તરફ એક ભીના ટુવાલમાં તમારે પાપડીને થોડીવાર માટે પોટલી બાંધીને રાખવાની છે. આમ કરવાનું કારણ એને થોડો ભેજ મળે એ હોય છે. ત્યારબાદ પાપડીમાં પણ ચટણી ભરી દેવી. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી બરાબર હલાવી લો. ત્યારબાદ માટલામાં ભરી તેને ખાખરાના પાનથી બરાબર ચુસ્ત રીતે બંધ કરી દેવું. પછી માટલાને ઊંઘુ ખાડામાં રાખી તેના પર લાકડા અને પાન સળગાવવામાં આવે છે. આમ ચાલીસથી પિસ્તાલીસ મિનિટમાં સ્વાદિષ્ટ ઉંબાડિયું તૈયાર થઈ જાય છે.
રસ્તાની બંને બાજુએ ઉંબાડિયાના સ્પેશિયલ સ્ટોલ:-
દક્ષિણ ગુજરાતના લોકોની ઉંબાડિયું બનાવવાની રીત જ કાંઈક હટકે હોય છે. અને તેથી જ લોકો મોટી સંખ્યામાં ઉંબાડિયું ખાવા માટે આવે છે. અહીં લોકો શિયાળા દરમિયાન રસ્તાના કાંઠે ઉંબાડિયાના સ્પેશિયલ સ્ટોલ ઉભા કરીને ઉંબાડિયું વેચે છે. જેથી તેઓને સારી આવક પણ થાય છે અને લોકોને કુદરતી સ્વાદથી ભરપૂર ઉંબાડિયું ખાવાની મોજ પડી જાય છે. જો તમે પણ દક્ષિણ ગુજરાતમાં ફરવા જાઓ તો ઉંબાડિયું અચુક ખાજો. અથવા તો એક વખત ઘરે બનાવવાનો પ્રયાસ કરજો.
શિયાળાની ઋતુમાં તો વલસાડ જિલ્લામાં દાખલ થતાં જ સડકને બંને કિનારે ઉંબાડીયાની દુકાનો જોવા મળશે. કેટલાંય લોકો તો ત્યાં બેઠાં બેઠાં ખાય છે અને સાથે સાથે પાર્સલ પણ કરાવીને ઘરે લઈ જાય છે.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
હું આશા રાખું છું કે તમને અમારો ઉંબાડીયું બનાવવાની રીત,રેસીપી (Umbadiyu recipe in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો