મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે કાલ ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ઉર્જા મેળવવા માટે ભૈરવ એક મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે, તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર ‘સમય’ ઓળખવવાનું અતિ કઠિન કાર્ય ‘કાલ ભૈરવ’ કરે છે. શકિત ઉપાસનાથી લઈને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કૃપા જરૂરી છે. ભૈરવની ઉત્પત્તિ દેવીપુરાણ-મહાકાલસંહિતા, રુદ્રવામલ, શાકતપ્રમોદ વગેરે ગ્રંથોમાં દર્શાવી છે.
બ્રહ્માના પાંચમા મુખનું ગર્વથી ખંડન થતાં કાશી (વારાણસી) માં જઈને પ્રસ્થાપિત થયેલા કાલ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સમગ્ર ભારતવર્ષમાં જેટલાં શકિતના સ્થાનો છે ત્યાં કાળ ભૈરવ યા બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ વગેરેની મૂર્તિ સ્થપાયેલી જોવા મળે છે. સામાન્ય રીતે લોકજાતિ સંસ્કૃતિ દેવના કારણે લગભગ ઘણીખરી મૂર્તિઓને ‘મદિરા’ પાનનું સેવન કરાવતા હોય છે. અડદ, વેસણ-બુંદીનો ભોગ, તેમજ રાજસિક-તામસિક ભોગ-બલિ પણ ચઢાવતા હોય છે. કારતક વદ આઠમ કાલભૈરવ જયંતિ તરીકે ઉજવાય છે.
Contents
બ્રહ્મા અને વિષ્ણુ વિગ્રહ:-
શિવપુરાણ અનુસાર એક વાર બધા જ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને અલગ અલગ પૂછ્યું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે ? ત્યારે બંનેએ ખુદને જ શ્રેષ્ઠ જણાવ્યા. બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર બાદ બધા જ દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું, તો બંનેનો જવાબ આવ્યો કે જેના ભીતરમાં ચરાચર જગત, ભૂત અને ભવિષ્ય અને વર્તમાન સમાયેલું હોય છે, અનાદિ અનંત અને અવિનાશી તો ભગવાન રુદ્ર શિવ છે.
વેદ શાસ્ત્રોમાંથી શિવજી આ સાંભળીને બ્રહ્માએ પોતાના પાંચ મુખથી શિવજીને ખરું – ખોટું કહ્યું હતું. તેનાથી વેદ દુઃખી થયા. તેજ સમયે એક દિવ્યજ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રકટ થયા. બ્રહ્માએ કહ્યું કે, “હે રુદ્ર! તુ મારા મસ્તકથી પેદા થયો છે. વધારે રુદન કરવાના કારણે જ મેં તારુ નામ ‘રુદ્ર’ રાખ્યું છે, માટે તું મારી સેવાઓમાં આવી જા.”
બ્રહ્માએ આવું આચરણ કર્યું માટે ભગવાન શિવજી ખુબ જ ભયાનક ક્રોધમાં આવ્યા અને તેમણે ભૈરવને ઉત્પન્ન કર્યો. ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું કે તુ બ્રહ્મા પર શાસન કર. તે દિવ્યશક્તિ સંપન્ન ભૈરવે પોતાના ડાબા હાથની નાની આંગળીના નખથી શિવજી માટે અપમાનજનક શબ્દ કહેનાર બ્રહ્માના પાંચમાં મસ્તકને કાપી નાખ્યું. શિવજીના કહેવા પર ભૈરવ કાશી ગયા, જ્યાં તેમને બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળી. ભગવાન શિવજીએ ભૈરવને કાશીના કોટવાળ નિયુક્ત કર્યા. કાશીમાં ભૈરવ આજે પણ કાશીના કોટવાળ તરીકે ઓળખાય અને પૂજાય છે. કાશીમાં ભૈરવનાથના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે.
આસામ-જબલપુર-કાશી-ઉજજૈન-રાજસ્થાનમાં ભૈરવની ઉપાસના મુખ્યત્વે વિશેષ જોવા મળે છે. ભૈરવની ઉપાસના પદ્ધતિ ઘણા પ્રકારની છે. પરંતુ મુખ્યત્વે બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ-(મહા) કાલ ભૈરવ, સ્વણાર્કર્ષણ ભૈરવ છે. તંત્રમાં તો 64 અથવા 84 તેમજ દેવીશકિતના વિગ્રહ અનુસાર બાવન ભૈરવ દર્શાવ્યા છે.
ભારતમાં આવેલ કાલ ભૈરવનાં મંદિરો:-
- અષ્ટ ભૈરવ મંદિર, શ્રી કામનાદ ઈશ્વર મંદિરમાં, આરગલુર, તામિલ નાડુ.
- કાલ ભૈરવ મંદિર, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ.
- કાલભૈરવેશ્વર મંદિર, આદિ ચુંચનાગીરી, કર્ણાટક.
- કાલભૈરવ મંદિર, અધ્યામન કોટરી, ધરમપુરી, તામિલનાડુ.
આપણા દેશમાં એવાં ઘણાં મંદિર છે, જેમનાં રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલભૈરવનું! આ મંદિર સંદર્ભે ચમત્કારી વાત એ છે કે, અહીં સ્થિત કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે. પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ-દુનિયાના ઘણા લોકો અહીં પહોંચે છે.
મંદિરના પૂજારી પંડિત ઓમપ્રકાશ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, આ મંદિરનું વર્ણન સ્કંદપુરાણના અવંતિ ખંડમાં પણ જોવા મળે છે. પં. ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, ભગવાન કાલભૈરવના વૈષ્ણવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલ ઘણી બાબતો પણ પ્રચલિત છે. ઉજ્જૈનના રાજા ભગવાન મહાકાલે જ કાલભૈરવને આ જગ્યાએ શહેરની રક્ષા માટે નિયુક્ત કર્યા છે. માટે કાલભૈરવને શહેરના કોટવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં દારૂ પીવે છે કાલભૈરવ
ભગવાન કાલભૈરવનું મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવગઢમાં છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભગવાન કાલભૈરવની પ્રતિમાને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે થોડી જ વારમાં જે પાત્રમાં દારૂનો ભોગ ધરાવવામાં આવે છે, તે પાત્ર ખાલી થઈ જાય છે. દારૂ ક્યાં જાય છે, એ રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ ચમત્કારને જોવા અહીં હંમેશાં શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે.
મંદિરની ચારેય તરફ ખોદકામ
પં. ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, થોડાં વર્ષો પહેલાં મંદિરના પાયા વધુ મજબૂત કરવા માટે બહારની તરફ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ નિર્માણ માટે મંદિરની ચારેય તરફ લગભગ 12-12 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા. આ ખોદકામ મંદિરના જીર્ણોદ્ધાર માટે કરવામાં આવ્યું હતું, પરંતુ તેને જોવા ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા. બધાં એ જ જાણવા ઈચ્છતાં હતાં કે, કાલભૈરવ જે દારૂનું સેવન કરે છે, તે દારૂ જાય છે ક્યાં?
આ જિજ્ઞાસા શાંત કરવા માટે ખોદકામ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર રહ્યા હતા, પરંતુ ખોદકામમાં આવું કંઈ જ જાણવા મળ્યું નહીં, જેનાથી તેમના પ્રશ્નનું સમાધાન થઈ શકે. આ મંદિર વિશે ઘણી લોકવાર્તાઓ પણ છે. ઘણા વૈજ્ઞાનિકો પણ મંદિરનું રહસ્ય જાણવા આવ્યા, પરંતુ આ ચમત્કાર પાછળનું કારણ જાણી શક્યા નથી.
એક હજાર વર્ષ પહેલાં થયું હતું પુનર્નિમાણ
ભગવાન કાલભૈરવનું મંદિર મુખ્ય શહેરથી થોડે દૂર બનાવવામાં આવ્યું છે. આ જગ્યા ભૈરવગઢ તરીકે પ્રસિદ્ધ છે. કાલભૈરવનું મંદિર એક ઊંચા ટેકરા પર બનેલું છે, જેની ચારેય તરફ દિવાલ છે. પં. ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ એક હજાર વર્ષ પહેલાં પરમાર કાલીન રાજાઓએ કરાવ્યો હતો.
આ નિર્માણ કાર્ય માટે મંદિરની જૂની સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર મોટા-મોટા પથ્થરો જોડીને બનાવવામાં આવ્યું છે. આ મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. પુરાણોમાં જે અષ્ટભૈરવનું વર્ણન છે, તેમાંના આ મુખ્ય છે.
સિંધિયા પરિવાર તરફથી આવે છે પાઘડી
આ મંદિરમાં ભગવાન કાલભૈરવની પ્રતિમાએ સિંધિયા પાઘડી પહેરેલી છે. આ પાઘડી ગ્વાલિયરના સિંધિયા પરિવાર તરફથી આવે છે. લોકવાયકા અનુસાર, લગભગ 400 વર્ષ પહેલાં સિંધિયા કુટુંબનાં રાજા મહાદજી સિંધિયાની દુશ્મનો સામે બહુ ખરાબ રીતે હાર થઈ હતી. એ સમયે તેઓ કાલભૈરવના મંદિર પહોંચ્યા તો તેમની પાઘડી પડી ગઈ.
ત્યારે મહાદજી સિંધિયાએ પોતાની પાઘડી કાલભૈરવને અર્પણ કરી દીધી અને દુશ્મનો પર વિજયની પ્રાર્થના કરી. ત્યારબાદ રાજાનો વિજય થયો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું. ભગવાન કાલભૈરવના આશિર્વાદથી પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેઓ એક પણ યુદ્ધ ન હાર્યા. આ પ્રસંગ બાદથી આજે પણ ગ્વાલિયરના રાજઘરાનામાંથી જ કાલભૈરવ માટે પાઘડી આવે છે.
કેવી રીતે પહોંચવું ઉજ્જૈન?
ભોપાલ-અમ઼દાવાદ રેલવે લાઈન પર ઉજ્જૈનનું આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં લગભગ બધી જ ટ્રેન રોકાય છે. મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની ઈંદોરથી ઉજ્જૈન માત્ર 60 કિમી દૂર છે. આટલું અંતર બસ કે કોઈ પ્રાઇવેટ વાહન દ્વારા સરળતાથી કાપી શકાય છે.
ભગવાન શિવનું સ્વરુપ કાળ ભૈરવની ઉપાસના જીવનમાં આવનારી સમસ્ત તકલીફોને દૂર કરે છે. ભૈરવાષ્ટમીના દિવસે તંત્ર-મંત્રોનો પ્રયોગ કરીને તમે વેપાર, જીવનમાં આવનારી કઠણાઈઓ, શત્રુ પક્ષથી થનારી તકલીફો દૂર થાય છે અને ભૈરવ ઉપાસનાનો લાભ થાય છે. તેના વર્ણન સ્ત્રોતમાં પણ જોવા મળ્યું છે.
અલગ-અલગ કાર્ય સિદ્ધિ માટે ભૈરવ ઉપાસનાના ઘણાં મંત્રો છે. જો તમારા કોઈ રોકાયેલા કામ હોય તો તેનો ભૈરવ મંત્રના જપથી અંત આવે છે. જો તમારા સંતાનની કોઈ ભય અને તકલીફ હોય તેનાથી છૂટકારો મળે છે. કહેવાય છે કે, આ મંત્રના જાપથી અલગ લાભ થશે.
જો તમે કોર્ટ કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા હોવ અને કોઈ કેસમાં ફસાયેલા હોવ તો તેમાંથી બહાર આવવા માટે हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:||મંત્ર કરો. આ મંત્રથી કાલ ભૈરવની સાધના કરો. આ મંત્રને ઓછામાં ઓછા 11 વાર કરવાથી તાત્કાલિક લાભ મળે છે.
ભૈરવ ઉપાસના માટે યોગ્ય દિવસ રવિવાર માનવામાં આવે છે. તમે મંગળવાર અને શનિવારે પણ પૂજા કરી શકો છો. અર્ધ રાત્રે 2 વાગ્યે કરવામાં આવેલી ભૈરવ ઉપાસનાનું વિશેષ ફળ મળે છે.
વર્તમાનમાં ભૈરવની ઉપાસના બટુક ભૈરવ અને કાલ ભૈરવના રુપમાં પ્રચલિત છે. તંત્ર સાધનામાં ભૈરવ માટે આઠ સ્વરુપની ઉપાસનાની વાત કરી છે. આ રુપ અસિતાંગ ભૈરવ, રુદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્નત ભૈરવ, કપાલી ભૈરવ, ભીષણ ભૈરવ, સંહાર ભૈરવ. કાલિકા પુરાણમાં પણ ભૈરવ શિવજીનો ગણ મનાય છે. જેમનું વાહન શ્વાન છે. આમ ભૈરવના આઠ સ્વરુપની પૂજા કરવામાં આવે છે.
પૂજા કેવી રીતે કરવી?:-
ભૈરવની ઉપાસના માટે એક ચૌમુખુ માટી કે પિત્તળનું કોડિયું લઈ તેમાં સરસિયાનું તેલ લઈને દીવો કરો. ઉપાસકનું મોઢું પૂજન કરતી વખતે પૂર્વ તરફ રાખવું જોઈએ. આ સાથે ઉપાસકોએ લાલ રંગના કપડા પહેરવા જોઈએ. ભૈરવનું આહ્વાન કરીને સ્ફટિકની માળાથી ભૈરવ મંત્રનો જપ કરો. જપ પૂર્ણ થયા પછી ભોગ ધરાવો અને આરતી કરીને પ્રસાદ વહેંચો.
કાલ ભૈરવ શિવનું જ સ્વરુપ છે. માટે શિવજીની આરાધના પહેલા ભૈરવની ઉપાસના કરવામાં આવે છે. તેમની સાધનાથી સમસ્ત દુઃખોથી છુટકારો મળે છે. કાશી અને ઉજ્જૈન ભૈરવનું સિદ્ધ સ્થાન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભૈરવ સાધના કરનારા લોકોને સાંસારિક દુઃખથી છુટકારો મળે છે.
ભૈરવનો અર્થ થાય છે ભયનું હરણ કરીને જગતનું ભરણ કરનાર. એવું પણ કહેવામાં આવે છે કે, ભૈરવ શબ્દના ત્રણેય અક્ષરોમાં બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ ત્રણની શક્તિનો સમાવેશ હોય છે. ભૈરવ ભગવાન શિવજીના ગણ અને પાર્વતીજીના અનુચર માનવામાં આવે છે. આપણા હિંદુ દેવતાઓમાં ભૈરવનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે.
ધર્મગ્રંથો અનુસાર શિવના લોહી માંથી ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. ભૈરવના બે પ્રકાર હોય છે, એક કાલ ભૈરવ અને બીજા બટુક ભૈરવ. દેશમાં કાલ ભૈરવના સૌથી જાગૃત મંદિર ઉજ્જૈન અને કાશીમાં છે. જયારે બટુક ભૈરવના મંદિર લખનઉમાં છે. બધા શક્તિપીઠો પાસે ભૈરવના જાગૃત મંદિર જરૂર હોય છે. એમની ઉપાસના વગર માં દુર્ગાના સ્વરૂપોનું પૂજન અધૂરું માનવામાં આવે છે. હિંદુ અને જૈન બંને ભૈરવની પૂજા કરે છે. એમની કુલ ગણતરી 64 છે.
શનિદેવનો પ્રકોપ શાંત કરવાનો શ્રેષ્ઠ ઉપાય ભૈરવ આરાધના છે. ભૈરવ આરાધનાનો દિવસ રવિવાર અને મંગળવાર છે. પુરાણો અનુસાર ભાદરવા મહિનાને ભૈરવ પૂજા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. જણાવવામાં આવેલ મહિનાના રવિવારને ખૂબ જ મોટો રવિવાર માનવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે.
આરાધના પહેલા શું નહીં કરવું?
કૂતરાને ધુત્કારવા નહી અને તેને ભરપેટ ભોજન આપવું. ભૈરવની આરાધના કરવા માટે જુગાર, સટ્ટો, શરાબ, વ્યાજખોરી અનૈતિક કૃત્ય વગેરે આદતોથી દુર રહો. તેમજ પોતાના દાંતને સાફ રાખો. પવિત્ર થયા બાદ જ ભૈરવનાથની સાત્વિક આરાધના કરો. અપવિત્રતા ભૈરવની પૂજામાં વર્જિત છે.
કાલનો અર્થ થાય છે મૃત્યુ, ડર અને અંત, જ્યારે ભૈરવનો અર્થ થાય છે ભયને હરાવનારા, કે જેનાથી કાળ પણ ગભરાય છે. કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુનો ભય દુર થઈ જાય છે અને જીવનમાં આવી રહેલા કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આ ૫ણ વાંચો:-
હું આશા રાખું છું કે તમને અમારો કાલ ભૈરવ (kaal bhairav story in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.