મારી શાળા નિબંધ | my school essay in gujarati

“રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે,

જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?

મેં કહ્યું, દફ્તર હવે ખભે નથી એટલું જ !

બાકી લોકો આજેય ભણાવી જાય છે…..”

મારી શાળા નિબંધ

આજે પણ જ્યારે હું એ રસ્તેથી પસાર થાવ છું, ત્યારે ત્યારે મારા માનસપટ પર એ મારી શાળાની સ્મૃતિઓ તાજી થઈ જાય છે. શાળા એ એક એવું સ્થળ છે, જ્યાં જિંદગીના દરેક પાઠ ભણાવવામાં આવે છે. આજે પણ હું જ્યારે મારી શાળાનું એ જૂનું મકાન જોવું, ત્યારે મને ફરીથી નાના બાળક થઈ જવાનું મન થાય છે, ફરીથી એ મસ્તી કરવાનું મન થાય છે. એમ થાય કે, ક્યાં મોટા થઈ ગયા, હજુ તો શાળાની ગણી ધીંગામસ્તી કરવાની બાકી છે. જેમ મને “મારી શાળા” યાદ આવે છે, તેમ તમે પણ જ્યારે જ્યારે તમારી શાળા આગળથી પસાર થતાં હશો, ત્યારે ત્યારે તમને પણ તમારી એ શાળાના દિવસો યાદ આવી જતા હશે. તમને પણ એવું થતું હશે કે ચાલને ફરીથી શાળામાં એક આંટો મારી આવું.

મારી શાળા નો પરિચય આપુ તો, તેનું નામ “પૂજા વિદ્યાલય” છે. મારી શાળા અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી છે. મારી શાળાનું મકાન આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલા બાંધવામાં આવેલું છે, જેના કારણે મારી શાળામાં વિશાળ મેદાન પણ છે. આમ તો મોટેભાગે શહેરની શાળાઓ ગીચ વિસ્તારોમાં હોવાના કારણે, જગ્યાની ખૂબ જ અછત વર્તાતી હોય છે. પરંતુ મારી શાળા થોડીક જૂની હોવાના કારણે તે સમયે જગ્યાનો અભાવ ન હતો, જેના કારણે શાળાને ઘણું મોટું મેદાન મળ્યું છે.

“મારી શાળામાં” દાખલ થતાની સાથે જ લગભગ સો મીટર જેટલો એક સીધો રસ્તો છે, જેની બંને બાજુએ ઊંચા ઊંચા આસોપાલવના ઝાડ આવેલા છે. દૂરથી જોઈએ તો એવું લાગે કે જાણે કોઈએ લીલા આસોપાલવનો જ ગેટ બનાવ્યો હોય. એ રસ્તો પૂરો થતાની સાથે જ એક વિશાળ મેદાન આવે છે. મેદાનની ડાબી તરફ જઈએ તો વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકગણ માટે સાઇકલ,બાઇક તેમજ ગાડી રાખવા માટેનો પાર્કિંગ એરિયા છે. ત્યાંથી થોડાક આગળ જાઓ એટલે શાળાનું કાર્યાલય આવે છે. કાર્યાલયમાં બાળકોના એડમિશન, ફી ભરવાની, બાળકોના પ્રમાણપત્રો અને તેમને લગતી બીજી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

શાળાના કાર્યાલયમાં કુલ પાંચ વ્યક્તિનો સ્ટાફ છે. જેમાંથી બે વ્યક્તિ બાળકોની નોંધણીને લાગતું કામ કરે છે, બીજી બે વ્યક્તિ બાળકોની ફી ને લાગતું કામ સંભાળે છે ,અને એક વ્યક્તિ શાળાના માળખાકીય દસ્તાવેજો સરકારી કચેરી સુધી પહોંચાડવાનું અને જરૂર લાગે તો તેમાં સુધારા વધારા કરવાનું કામ કરે છે. ત્યાંથી થોડા આગળ જઈએ એટલે પીવા માટે સ્વચ્છ પાણીની પરબ છે. જેને “રામુ કાકા” જે સ્કૂલ ના પટાવાળા છે, તે દરરોજ પાણીની ટાંકીને સાફ કરી, કોરી કરી અને ફરીથી ચોખ્ખા પાણીથી ભરી દે છે. તેમની જ મહેનત નું ફળ છે કે અમને દરરોજ પીવાનું ચોખ્ખું પાણી મળે છે. ત્યાંથી થોડાક આગળ જાઓ એટલે છોકરાઓ માટે નો washroom આવે છે અને ત્યારબાદ સ્ટાફ તેમજ પ્રિન્સીપાલ સાહેબ ની ઓફિસ અને ત્યારબાદ અમારા વર્ગખંડ.

વર્ગખંડની યાદ આવે એટલે તરત જ એવું થઈ જતું કે જાણે અમને જેલમાં પૂરી દીધા હોય. ૬ – ૬ કલાક સુધી સતત એક જ ક્લાસમાં બેસીને ભણ્યા કરવું એ અમારા માટે તો જેલમાં પુરાઈ રહેવા બરાબર જ હતું. પરંતુ જિંદગીના 12 વર્ષ સ્કૂલમાં વિતાવ્યા પછી, જ્યારે હકીકતની દુનિયામાં આવવાનો સમય થયો ત્યારે સમજાયું કે, ” જેને હું મારી સ્કુલ માનતો હતો અને જેને હું જેલ કહેતો હતો તે તો ખરા અર્થમાં સ્વર્ગ હતું.” મને આજે પણ મારી એ સ્કૂલ આબેહૂબ યાદ છે.

સ્કૂલના વર્ગખંડની વાત કરીએ તો અમારી સ્કુલમાં તે સમયે સ્કૂલ 35 વર્ગખંડ હતા. જેમાં બાલમંદિર થી લઈને ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. 35 વર્ગખંડ માટે શાળાનું મકાન ભોંયતળિયું, પ્રથમ માળ અને બીજો માળ, એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. ભોયતળિયે બાલમંદિર થી લઈને પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવતો હતો પ્રથમ માળ પર છઠ્ઠા ધોરણથી લઈને 10 મા ધોરણ સુધીના વર્ગો ચલાવવામાં આવતા હતા અને બીજા માળ ઉપર 11 – 12 આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સના વર્ગો ચાલતા હતા.

દરેક માળ ઉપર જે તે વર્ગખંડના શિક્ષકો માટે અલગથી સ્ટાફરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે શિક્ષકોને વારે ઘડીએ ચડ-ઉતર ન કરવું પડે અને ખોટો સમય નો વ્યય ન થાય. તેવી જ રીતે washroom ની પણ અલગ અલગ વ્યવસ્થા હતી, જેના કારણે વિદ્યાર્થીઓનો પણ સમય ન વેડફાય. આ ક્લાસરૂમ પુરા થતાની સાથે જ એક નાનકડો બગીચો હતો, જેમાં નાના ભૂલકાઓને રમાડવામાં આવતા હતા. તેમના માટેના રમત ગમતના સાધનો એ બગીચામાં રાખવામાં આવ્યા હતા.

મારી શાળાના આચાર્ય સાહેબ તે વખતે પણ શિસ્ત, અનુશાસન અને સ્વચ્છતાના અગ્રણી હતા. તેમની ઉમદા વિચાર દ્રષ્ટિના કારણે જ અમને આવી શાળા મળી હતી. મારી શાળામાં સ્વચ્છતા પર પણ ખૂબ ભાર મૂકવામાં આવતો હતો. અમારી શાળામાં કચરો ફેંકવા માટે પણ અલગ-અલગ પ્રકારના ત્રણ dustbin રાખવામાં આવ્યા હતા. જેમાંથી એકમાં સૂકો કચરો નાખવામાં આવતો, બીજામાં ભીનો કચરો નાખવામાં આવતો અને ત્રીજામાં કોઈ હાનિકારક કચરો હોય તો તે નાખવામાં આવતો હતો. સૂકા તેમજ ભીના કચરાને રિસાયકલ કરી તેનું ખાતર બનાવી અને શાળાના વૃક્ષ તેમજ બીજા છોડવાઓને ઉછેરમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું.

આ તો બધી થઈ “મારી શાળાની” વાત. હવે કરીએ ત્યાં ઉછરતા ભૂલકાઓને મળતા વાતાવરણ વિશે વાત. અમારી શાળામાં દર વર્ષે રમત ગમત ના પ્રોગ્રામ થતા. નિબંધ સ્પર્ધા, વાર્તા લેખન, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓ દ્વારા બાળકોના જીવન ઘડતરની સાથે સાથે તેમનું વ્યક્તિત્વ ઘડતર પણ થાય તે જોવામાં આવતું હતું. અમારી શાળામાં દર વર્ષે વિજ્ઞાન મેળાનું પણ આયોજન કરવામાં આવતું હતું. જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતા હતા. અને તેમાં રાજ્યકક્ષાના ઈનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારતા હતા.

આ સાથે સાથે બાળકોનો શારિરીક વિકાસ થાય તે માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ શાળા તરફથી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ગુણવત્તાયુક્ત અને પૂરતું પોષણ મળી રહે તેવો આહાર જ આપવામાં આવતો હતો. ક્યારેક તો મધ્યાહન ભોજનનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય કે સાંજે ઘરે જઈને પણ જમવાની જરૂર નહોતી પડતી. આમ મારી શાળામાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે દરેક બાબતનું ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવતું હતું.

મિત્રો તમને ખબર છે કે શાળામાંથી પણ શીખવા મળે છે, અને જીંદગીમાંથી પણ. તો પછી તે બંનેમાં ફરક શું ? શાળામાં પહેલા શીખવાનું હોય છે, અને પછી પરીક્ષા હોય છે. જ્યારે જિંદગીમાં !  પહેલા પરીક્ષા હોય છે, અને પછી શીખવા મળે છે. જિંદગીની પરીક્ષા પાસ કરવા બેસીએ ને ત્યારે ખબર પડે કે, તેના કરતાં તો શાળાની પરીક્ષા સારી હતી. મારું જીવન એ પણ “મારી શાળા” સમાન જ છે. ફરક ખાલી એટલો જ છે કે, જીવનરૂપી શાળામાં આપણને એ નથી ખબર કે આપણે કયા વર્ગમાં છીએ અને હવે આપણે કઈ પરીક્ષા આપવાની છે ? મને “મારી શાળા” હંમેશા યાદ રહેશે……

લેખક : “નિષ્પક્ષ” (પુષ્પક ગોસ્વામી, ઈન્સ્ટાગ્રામ :  nishpaksh3109

આ ૫ણ વાંચો:- 

હું આશા રાખું છું કે તમને અમારો મારી શાળા નિબંધ (my school essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

Leave a Comment

error: