વિશ્વ બંધુત્વ નિબંધ ગુજરાતી | Vishwa Ek Kutumb Essay In Gujarati

વિશ્વ એક શાંતિમય હોય, સૌમાં વિશ્વ બંધુત્વની ભાવના નો સંચાર થયો હોય તો આવા વિશ્વમાં એક દિવ્ય આનંદ સૌને મળે કે પ્રાપ્ત થાય, અને જો આવું વિશ્વ હોય તો વિશ્વ બંધુત્વની ભાવનાનો સંચાર થાય.

વિશ્વ બંધુત્વ નિબંધ (vishwa ek kutumb essay in gujarati) :-

વિશ્વ બંધુત્વની ભાવના ના મૂળ ભારત દેશમાં તેમજ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી પાશ્ચાત્ય દેશોમાં પણ આ વિશ્વ બંધુત્વની ભાવના ની કલ્પના કરવામાં આવી. અનેકવિધ જેવી વૈશ્વિક સંસ્થાઓ ના જન્મ પછી તમામ રાષ્ટ્રમાં એકબીજાને એક જ વિશ્વ કુટુંબના સભ્ય તરીકે જોવાની અને સ્વીકાર કરવાની વૃત્તિ જાગી. પરસ્પર પ્રત્યે પ્રેમભાવ તેમજ સંસ્કૃતિ, સાહિત્ય, જ્ઞાન, વિકાસ વગેરે ક્ષેત્રમાં આદાન-પ્રદાન શરૂ થયા. દરેક વિષયોના જ્ઞાનની આપ-લે થવા લાગી. આમ વિશ્વ એક થવા લાગ્યું…. એ સારી અને એક મોટી સિદ્ધિ ગણાય છે.

માનવજાત આમ તો મહત્વકાંક્ષી ગણાય છે. તેને અવનવી શોધો કરવી ઉપરાંત વિશ્વભરમાં ચાહના મેળવવી કે ધનવાન, ગાડી, બંગલા વગેરે મેળવી એક રાજાશાહી જેવું જીવન જીવવું ગમે છે. હાલના યુગમાં માનવી માટે પૈસા જ સર્વોપરી બની ગયા છે. માનવીના મનને બદલવાની જરૂર છે જો એક બનીની આ કાર્યના શ્રી ગણેશ કરીએ તો.

જો એક ગુરુ, ડોક્ટર, પોલીસ અને નેતા ઈમાનદાર અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર હોય તો દેશ કે વિશ્વ કોઇ પણ મોટી મહામારી આવે તો પણ બચી શકે અને નવા યુગનું નિર્માણ કરી શકીએ.

ગેલેલીઓ, શેક્સપિયર, સી.વી.રામન, મહાત્મા ગાંધીજી, વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર વગેરે મહાન વ્યકિતઓએ વિશ્વબંધુત્વની ભાવના ની વાતો કરી છે અને સમજાવી પણ છે. આખા વિશ્વમાં આ માટે અગાઘ પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. શાંતિનિકેતન શિક્ષણ સંસ્થાનું ઘયેયસૂત્ર છે ”વિશ્વ એક માળો છે અને આપણે સૌ એ માળાના પંખીઓ છીએ અને આપણે સૌએ માળાના પંખીઓ ભેગા મળીને વિશ્વને એક તાલ-લયમાં કલરવ કરાવવાનો છે. જરૂર છે આપણે સૌએ એ માર્ગ તરફ વળવાની” હા એના માટે જોઈએ અદભુત ધીરજ, શાંત, સૌમ્ય સ્વભાવ અને એક સત્ય શાળા… જેમાં આદર્શ નાગરિકનું ઘડતર થાય. જો એક આદર્શ નાગરિક બને તો તે ઉત્તમ વિચારસરણી વાળો નાગરિક બનશે. ઉત્તમ નાગરિક ઉત્તમ સેવા કરશે અને એક વિશ્વ બંધુત્વની ભાવના દ્વારા સારા કાર્યો કરી એક નામના મેળવશે.

માનવ અને માનવેતર પ્રાણી વચ્ચે, માનવ અને પ્રકૃતિ વચ્ચે પણ આત્મીયતાનાં સંબંધો કેળવાય એવો વિચાર પણ વિશ્વ કુટુંબ ની ભાવના માં રહેલો છે.

ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।

एक जगत एक लोक, सबका है एक मान,
एक चंद्र, एक सूर्य, एक भूमि, आसमान

માનવી ચંદ્રની ધરતી પર પહોંચી શક્યો છે પરંતુ હજુ સુધી તે બીજા માનવીના હૃદય સુધી પહોંચી શક્યો નથી. માનવ માંથી આજે માનવી૫ણું નાશ થવા લાગ્યું છે. દયા, ત્યાગ, સત્યતા ભાવ, પ્રેમ જેવા રંગોની ખોટ વર્તાવા લાગી છે. સપ્તરંગો જીવનમાંથી નષ્ટ થઇ રહ્યા છે. આથી જ કવિ સુંદરમે સાચું જ કહ્યું છે કે…. ”હું માનવી  માનવ થાઉં તો ઘણું”

હાલના 21મી સદીનો આધુનિક યુગનો માનવી આમ ઘણી મહાન વાતો કરનાર તેમજ પોતે ખૂબ જ સત્ય, દયા, અહિંસા, ભ્રષ્ટાચાર મુક્ત જેવા ગુણો પોતાનામાં હોવાનો ખાલી દેખાવ કરે છે. પરંતુ ખરેખર ૨૧મી સદીનો માનવી ઘણો જ બદલાઈ ગયો છે. સમાજ-જાતિના નામે માનવી એકબીજા માટે કે માનવજાત માટે દુશ્મન બની ગયા છે .જાતિવાદ, ધર્મવાદ જેવા નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો છે જે માનવજાત માટે ખૂબ જ શરમની વાત છે.

હાલમાં આવા આધુનિક યુગમાં કાર્ય કરવા કરતા દેખાવ કરવો વધી ગયો છે. પોતાના પરિવાર કે ગામ કે સમાજ, દેશ કે વિશ્વમાં બસ હું જ સર્વોપરી બનું. એવી ક૫ટ ભાવના આ યુગના માનવીના સ્વભાવમાં છે. જે દેશ કે વિશ્વ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સર્વોપરી ભાવનાથી આખુ વિશ્વ પીડાય છે.

હજુ પણ મોડા નથી પડ્યા…   ‘વિશ્વબંધુત્વની ભાવના સૌ એક થવું હોય તો ફરીથી ‘વિનોબા’ બનવું પડશે. એકી સાથે આખા વિશ્વમાં વિનોબા તો ન ઉભા કરી શકાય. પણ અશક્ય પણ નથી. ફરીથી માનવીના ગુણો વિકસાવવા માટે ઉત્તમ મા-પિતા, શિક્ષકો-સમાજ…. સૌ સાથે મળીએ તરફ પગલું માંડવુ પડશે. સફળતા પણ મળશે.

”વસુધૈવ કુટુંબકમ” ની ભાવના વિકસાવવા સંસ્કૃત-વિજ્ઞાન-કલા વગેરેનો અભ્યાસ ફરી વિકસાવવો પડશે. આપણે વિજ્ઞાનની સાથે એવા ખોવાઇ ગયા કે ખૂદ માનવીને ભૂલી ગયા. હાલમાં આ યુગમાં આપ-લે ખૂબ જ ઝડપી થઈ ગઇ છે. ધંધાર્થીઓ ધંધાર્થે બીજા રાષ્ટ્રમાં જઈ શકે છે. આધુનિક વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, સેટેલાઈટ વગેરેની શોધને કારણે વિશ્વરને નજીક આવવામાં સરળતા થઇ છે. ઇન્ટરનેટ, એસ.એમ.એસ, માબાઇલ ફોન, ફેસબુક, વોટસએ૫, ટ્વિટર જેવી ટેકનીકે સમગ્ર વિશ્વને એક છત્ર નીચે લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જેને વંદન છે પણ માનવી માનવ ને ભૂલવા લાગ્યો છે જે નુકસાન છે.

“great is the world around and small the corner where my mind dwells”  અર્થાત જગત તો ઘણું વિરાટ છે. પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. કુટુંબ, પ્રાંત, પક્ષ, દેશ વગેરેના વાડામાં પૂરાઈને આપણે હાથે કરીને કૂવાના દેડકા જેવી દશા વહોરી લઈએ છીએ. આ મનોદશા ખરેખર રોગિષ્ઠ છે. આ રોગમાં આખું વિશ્વ સપડાયુ છે.

”મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી” જેવો ઘાટ થયો છે.  જ્ઞાન-નોલેજ દરેક માનવીમાં વઘ્યુ છે. પણ એનો ઉપયોગ જીવ જગત ના ઉપયોગ માટે થાય તો એ ફળે. નહિતર આખું વિશ્વ એકબીજાને બરબાદ કરવાના કાવતરા જ કર્યા કરશે. હાલના યુગમાં દેખાવ અલગ, કાર્ય અલગ અને મનમાં અલગ…… આવી વિષમતાથી માનવીમાં ક્યાં વિશ્વબંધુત્વની ભાવના રાખી શકાય.

માનવીમાંથી દયા, કરુણા, પ્રેમ, અહિંસા ની ભાવના લુપ્ત થવા લાગી છે. આખા વિશ્વને વિનાશના પૂર તરફ લઈ જઇ રહી છે કે ખેંચી રહી છે. તો ચાલો સૌ મહાન વિભૂતિઓ ફરી જાગો અને વિશ્વને વિનાશમાંથી ઉગારીએ. માનવીનું ઘડતર જ્યાં થઈ રહ્યું છે ત્યાંથી શરૂઆત કરી વિશ્વ બંધુત્વ ની ભાવના જાગૃત કરીએ. ”એક જગત એક લોક” ભાવના ને બચાવીએ. તો સમગ્ર વિશ્વમાં એક શાંતિમયનો અનુભવ થશે. એક દિવ્ય આનંદ કે ખુશીનો અનુભવ થશે.

આમ જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ, ઉદ્ધત મહાન મૂલ્યો પર આધારિત છે. વેદમાં નરૂપેલી ‘ सह नाववतु। सह नौ भुनक्तु।” પ્રાર્થનામાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે એકતા નો સુર પ્રગટ થયો છે. આપણે સૌ એક જ પરમાત્માના સંતાન છીએ. વિશ્વ એક કુટુંબ છે અને આપણે સૌ એમના સભ્યો છીએ.

આજે સામાન્ય માનવી ની વેદના સંભળવાની કોઈને ફુરસદ નથી. વિશ્વમાં કરોડો લોકો ગરીબી, બેકારી, ભૂખમરો કે અસાધ્ય રોગો અને અજ્ઞાનનો ભોગ બની રહ્યા છે. માટે જ કરસનદાસ માણેક એ ગાયું છે કે…. ”તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠા”.

માણસની બીજી સારી બાજુ પણ છે. ગુજરાતના ધરતીકંપ વખતે સંપૂર્ણ જગત ગુજરાતની પડખે ઊભુ રહેલુ. આથી એમ કહી શકાય કે માનવી માનવી ના દુઃખ માં સાથ જરૂર આપે છે.

‘વ્યક્તિ બનીને બનું હું વિશ્વમાનવી’ ઉમાશંકર જોશી દ્વારા રચિત આ કાવ્ય પંક્તિ સાૂ કોયને લાગુ પડે તેવી છે. ડોક્ટર, વકીલ કે ભલે વડાપ્રધાન બનું પરંતુ સાથે સાથે હું માનવી તો બની જ રહું. ‘ હું માનવી માનવ બનું તો ઘણું છે’ આ ભાવના જ વિશ્વ બંધુત્વને જકડી રાખે છે.

ચાલો સૌ નવા આધુનિક યુગમાં માનવ ના ઊંચેરા ગુણોનો વિકાસ કરવાના કાર્યને આગળ ધપાવીએ. સૌ વિશ્વને એક કુટુંબની ભાવના એ જોઈએ. એમાં જ સૌનું ભલુ છે.

સૌ માનવી માનવ ના દયા, પ્રેમ ૫રસ્પર સ્નેહ જેવા ભાવોથી એકબીજા સાથે રહી એક શાંતિયુગનો સંચાર થાય. વિશ્વ માનવી બનવાની મારી મહેચ્છા વિશ્વવ્યાપી બને એ જ મારી આશા છે.

લેખક:- સરસ્વતીબેન સરદારભાઇ ચૌઘરી, પ્રાથમિક શાળા તાડકુવા ડુંગરી તા.વ્યારા જિ.તાપી.

આ ૫ણ વાંચો:-

હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ બંધુત્વ નિબંધ (Vishwa Bandhutva Essay in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

Leave a Comment

error: