ગુજરતી સાહિત્યની એક વિરલ વિભૂતિ એવા કવિ દયારામનો જન્મ નર્મદા નદીને કિનારે આવેલા ‘ચાંદોદ’ એટલે કે ‘ચાણોદ’ ખાતે ઈ. સ. 1775માં થયો હતો. (કોઈક સ્થાને એમનાં જન્મનું વર્ષ 1776, 1777 પણ દર્શાવવામાં આવ્યું છે) તેમના પિતાનું નામ પરભુરામ આણરામ ભટ્ટ અને માતનું નામ મહાલક્ષ્મી હતું. તેમનાં માતા રાજકોટના વતની હતાં. તેઓ સાઠોદરા નાગર કુળમાં જન્મ્યા હતા.
Contents
દયારામનો જીવનપરિચયઃ
નામ | કવિ દયારામભાઈ કે દયારામ |
ઉપનામ (Nick Name) | અજ્ઞાત |
જન્મ તારીખ (Date of Birth) | 1775 |
જન્મ સ્થળ (Birth Place) | નર્મદા નદીના કિનારે આવેલા ચાણોદ ખાતે |
વ્યવસાય | કવિ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
ધર્મ | હિન્દુ (પુષ્ટિમાર્ગ સંપ્રદાય) |
હોમ ટાઉન/રાજ્ય | ચાણોદ, ગુજરાત |
શૈક્ષણિક લાયકાત | અજ્ઞાત |
શોખ | ભક્તિ ગીતો લખવાનો |
વૈવાહિક સ્થિતિ | વવાહિિત |
માતા પિતાનાં મૃત્યુ પછી દયારામ મામાને ત્યાં ડભોઈ(વડોદરા પાસે આવેલ છે)માં મોટા થયાં, અને ત્યાં ઈચ્છારામ ભટ્ટનાં સંત્સગથી ચુસ્ત વૈષ્ણવી ધાર્મિક બન્યા. આથી બાળપણથી જ તેઓ કૃષ્ણપ્રેમી બન્યા હતા.
મધ્યકાલીન યુગમાં કવિ દયારામ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે. દયારામ 12 ભાષાના જાણકાર હતા. તેમણે કૃષ્ણભક્તિને કેન્દ્રસ્થાને રાખી ગરબીઓની રચના કરી હતી. તેમના ગરબીઓનાં વિષયમાં ‘કૃષ્ણ અને ગોપીભાવ’ તેમજ જ્ઞાન, ભકિત અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
મામાને ત્યાં રહેતાં દયારામ યુવાન થયો અને સંગીતનો શોખ કેળવ્યો, છતાં રખડવાની ટેવ છૂટી ન હતી. યૌવનનો તનમનાટ, વિકારની ભરતી અને સાથે ઉમર ઉપરની ટાપટીપથી ફરતા સ્વતંત્ર અને મોજીલા છોકરાને લોકો જેમ શંકાથી જુએ તેમ દયારામને સૌ જોતાં.
લગ્ન:-
દયારામ આજીવન કુંવારા રહ્યા હતા. એમણે ક્યારેય પણ લગ્ન વિશે વિચાર્યું ન્હોતું. પરંતુ તેમનાં અંત સમયે ડભોઈમાં જ રહેતી એક બાળ વિધવા સોનારણ રતનબાઈને ત્યાં રહેતા હતા. તેમણે પોતાનું અંતિમ વસિયતનામું પણ રતનબાઈને નામે જ કર્યું હતું. સમાજ આ બાબતે શું વિચારતો હતો એની એમને પડી ન્હોતી.
કૌટુંબિક વિગતો:
પિતાનું નામ | પરભુરામ આણરામ ભટ્ટ |
માતાનું નામ | મહાલક્ષ્મી |
ભાઈ(ઓ) | મણિશંકર (બે વર્ષની વયે અવસાન પામ્યા) |
બહેન(ઓ) | દહીગૌરી (નવ વર્ષની વયે અવસાન પામ્યા) |
પત્નીનું નામ | અપરણિત |
બાળકો | નથી. |
જીવનમાં બદલાવ:-
એક વખત કરનાળી જતાં યુવાન દયારામને કેશવાનંદ સાધુનો ભેટો થયો હતો. તેણે ફક્કડ યુવાનને ઠપકો દઈને ઠેકાણે આણ્યો. ત્યારપછી ડાકોરવાળા ઇચ્છારામ ભટજીનો પરિચય દયારામને થયો. તેમની આજ્ઞાથી એ ૧૮ વર્ષની ઉમરે પહેલી યાત્રાએ નીકળ્યો અને ચાળીસ વર્ષ સુધીમાં તેણે ત્રણ મહાયાત્રાઓ કરી. પ્રવાસથી ઘણો બહોળો અનુભવ તેણે મેળવ્યો. બદ્રિકાશ્રમ, જગન્નાથપુરી, રામેશ્વર અને દ્વારકા એ ચાર ધામ ઉપરાંત તેણે શ્રીનાથજીની યાત્રા સાત વાર કરી હતી અને ચાર વખત જમનાપાન કર્યું હતું. દયારામનો કુલધર્મ વૈષ્ણવનો હતો. તેમનાં શ્રીકૃષ્ણપ્રેમ, વ્રજવાસ અને વ્રજની ગોપી બની રહેવાની તલસતી ભાવનાવાળાં પદ અને ગરબી ઉત્તરોત્તર ભાવમાં, લાગણીમાં અને પ્રેમના આલેખનમાં ખૂબ સુંદર થતાં ગયાં. તેની કૃષ્ણલીલાની લગની વધતી ગઈ એટલે પુખ્ત વયે તે આરૂઢ વૈષ્ણવ બન્યો.
દિવ્ય પ્રભુપ્રેમમાં અને સ્નેહશાસ્ત્રનાં ઝીણામાં ઝીણાં અન્વેષણો આ કલારસિક ભક્ત કવિએ જે પોતે અનુભવ ઉપરથી લખ્યાં છે, તેટલાં બીજાં કોઈ ગુજરાતી કવિમાં મળવા અઘરાં છે. તેની ગરબીઓનું મોહક તત્ત્વ તે આ મનુષસ્વભાવનું સાચું ભાવ આલેખન છે. સ્ત્રી અને પુરુષ હ્યદયનાં મંથન તે અજબ કલાથી આલેખે છે. પોતે બહુ સારો ગવૈયો અને બજૈયો હોઈ તે પોતે પદ રચીને ગાતો. વળી ભાવને અનુરૂપ શબ્દોની પસંદગી અને વાણીને અનુરૂપ સંદુર ઢાળનો એમાં સુયોગ હોવાથી દયારામની કેટલીક ગરબીઓનું માધુર્ય અદ્વિતીય છે.
દયારામ માત્ર ગુજરાતી કવિ નથી. તેઓ વ્રજ ભાષાનાં હિંદી કવિ પણ છે. તેમના સતસૈયાના સાતસો દુહા, કાવ્યશાસ્ત્રના નિયમને અનુસરતા અલંકારોનો ઉત્તમ ગ્રંથ છે. તેમનો સાંપ્રદાયિક ગ્રંથ ‘રસિક વલ્લભ’ પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો સારી રીતે પ્રતિપાદન કરે છે; છતાં ગુજરાતી સ્ત્રીઓ તો દયારામને તેની ગરબીઓ તથા રુકિમણી વિવાહથી જ ઓળખે છે.
દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉદ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદો પણ નાટયાત્મક શૈલીમાં રજૂ થાય છે. તેઓ મધ્યકાલિન સાહિત્યનાં અંતિમ અને તેજસ્વી કવિ મનાય છે.
એમની ઘણી ગરબીઓ નાટયાત્મક કે પાત્રલક્ષી ઊર્મિકાવ્યો બને છે, જેથી તેની ગરબીની દરેક પંક્તિઓ ગોપીહૃદયની સચોટતા અને નિર્મળતા પ્રગટ કરે છે.
સતત કૃષ્ણની કેડે બંધાયેલી કે મુખ ઉપર બિરાજમાન વાંસળીને જોઈને ગોપી સહજ રીતે ઇર્ષ્યાભાવ અનુભવીને વાંસળી ઉપર આરોપ મૂકે છે જેનું કવિએ ખૂબ સુંદર રીતે પોતાની ગરબીમાં નિરૂપણ કર્યું છે.
પીજો અધરામૃત પિયુતણું તું વાંસલડી
માનીતી તું છે મોહન તણી હો વાંસલડી
અમારે શોક્ય સરખી તું સાલ રે હો વાંસલડી
ગોપીઓની આ વાત સાંભળીને સામે વાંસલડી પણ કૃષ્ણએ પોતાને આપેલા આ સન્માન બદલ એના આરોપનો જવાબ આપે છે કે,
મારે અંગે વાઢ વઢાવિયાં, વળી એ સંઘાડે ચડાવિયાં
તે ઉપર છેદ પડાવિયાં ઓ વ્રજનારી રે
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કો માં શિરોમણિ કીધી.
આમ સુંદર રીતે ગોપીઓ અને વાંસળી વચ્ચેનો સંવાદ રજૂ કરાયો છે.
ગુરુ અને શિષ્યો:-
તેમનાં ગુરુનું નામ ઈચ્છારામ ભટ્ટ હતું.
ગિરીજાશંકર લક્ષ્મીરામ દેસાઈ, છોટાભાઈ અને શીતબાઈ સોની તેમનાં શિષ્યો હતાં.
તેમને મળેલ ઉપનામો:-
- ભક્ત કવિ
- રસિક શૃંગારી કવિ
- બંસી બોલનો કવિ, પ્રાચીનતાનું મોતી અને વૃંદાવનની ગોપી (ન્હાનાલાલ તરફથી મળેલ)
- રંગીલો રસિનો, કુકડ કવિ
- ‘ગરબીનો પિતા’ (નરસિંહરામ દિવેટીયા તરફથી મળેલ)
- ગરબી સમ્રાટ
- બીજી મીરાં
- નાચતી કિલ્લોલ કરતી ગોપી
- ગુજરાતનો બાયરન
- ગુજરાતનો હાફિઝ
- ગુજરાતનો જયદેવ
કેટલીક અન્ય માહિતિ:-
આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા ભાલણે ‘કડવા’ ની રચના કરી, પરંતુ દયારામે કડવા ને બદલે ‘મીઠા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.દયારામે ગુજરાતી ભાષામાં ‘રેખતાં’ નામનું નવું સાહિત્ય સ્વરૂપ આપ્યું હતું, દયારામે 86 કૃતિની રચના કરી હતી, જેમાં 64 ગુજરાતી, 20 વજ્ર, 1 મરાઠી, 1 સંસ્કૃત ભાષામાં લખેલી છે.
દયારામની પ્રખ્યાત કૃતિઓ:-
- ઋકમણી વિવાહ
- રસિક વલ્લભ
- કૃષ્ણલીલા
- હનુમાન ગરુડ સંવાદ
- દાણચાતુરી
- ભક્તિવેલ
- પ્રેમરસગીતા
- ઋતુ વર્ણન
- આજામિલ આખ્યાન
- શ્રી કૃષ્ણનામ માહાત્મ્ય
- તત્ત્વ પ્રબંધ
- સત્યભામા વિવાહ
- મીરાં ચરિત્ર
દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર ગણવામાં આવે છે.
અવસાન:-
9 ફેબ્રુઆરી 1852નાં રોજ તેમનું મૃત્યુ થયું હતું.
અંતમાં, કવિ દયારામ વિશે એક ઉક્તિ પ્રચલિત છે, “નરસિંહ મહેતાથી પ્રારંભ થયેલી કવિતાનું પૂર્ણવિરામ એટલે કવિ દયારામ.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની