રાણી લક્ષ્મીબાઈ નિબંધ | ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે માહિતી

એક મહાન રાણી કે જેમણે અંગ્રેજ સરકારની ઉંઘ હરામ કરી દીઘી હતી. અને કોઇ ૫ણ ભોગે અંગ્રેજ સરકારના તાબે ન થયા. તો ચાલો આજે આ૫ણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે વિગતે માહિતી મેળવીએ.

રાણી લક્ષ્મીબાઈનો જીવન૫રિચય

પુરુ નામ :- મણિકર્ણિકા તાંબે
જાણીતું નામ રાણી લક્ષ્મીબાઈ
જન્મ તારીખ :- ઇ.સ. ૧૮૨૮
જન્મ સ્થળ :- વારાણસી, ઉત્તરપ્રદેશ
પિતાનું નામ :- મોરોપંત તાંબે
માતાનું નામ :- ભાગીરથી બાઈ
૫તિનું નામ :- ઝાંસીના રાજા મહારાજ ગંગાધર
સંતાનો દામોદર રાવ, આનંદ રાવ [દત્તક લીધેલો પુત્ર]
નોંધપાત્ર કાર્યો 1857 ના સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ
મૃત્યુ ઇ.સ. ૧૮૫૮માં ગ્વાલિયર, મધ્યપ્રદેશ ખાતે

એક સામાન્ય બ્રાહ્મણ કુળમાં પેદા થઈ મહારાણી બનવું એ સૌભગ્યની જ વાત કહેવાય. પણ આ બધું મેળવ્યા પછી પણ દેશ માટે પોતાની જાત ન્યોછાવર કરવા મળે એ તો કોઈક પુણ્ય કાર્યોનું ફ્ળ જ કહેવાય.

આવું જ સુંદર ફળ મહારાણી લક્ષ્મીબાઈને મળ્યું હતું. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે જે અભૂતપૂર્વ ધૈર્ય, સાહસ અને વીરતાનું પ્રમાણ આપ્યું હતું એનાથી તો અંગ્રેજો પણ અચંબામાં મૂકાઈ ગયા હતા.

રાણી લક્ષ્મીબાઈનો ઈતિહાસ:-

મરાઠા સમ્રાટ છત્રપતિ શિવજીનાં વંશજો વંશ ચલાવવા માટે અયોગ્ય સાબિત થતાં તેમનું સામ્રાજ્ય પેશ્વાઓએ લઈ લીધું. તેમનાં શાસનકાળમાં થઈ ગયેલા કૃષ્ણરાવ તાંબે નામના ઉચ્ચ રાજકીય પદ શોભવતા એક બ્રાહ્મણના વંશજ એટલે રાણી લક્ષ્મીબાઈ.

પેશ્વાઓનાં રાજમાં સચિવ તરીકે કામ કરતા શ્રી મોરોપંત તાંબે યુવાન થતા તેનાં લગ્ન પતિ પરાયણ, સુશીલ, વ્યવહાર કુશળ તેમજ અત્યંત રુપવાન એવાં ભાગીરથીબાઈ સાથે થાય છે.

જન્મ:-

વિક્રમ સંવત 1891માં કારતક વદ ચૌદસ એટલે કે 16 નવેમ્બર 1835નાં દિવસે આ દંપતીને એક દિકરી અવતરી.  તેમણે અને તેમનાં સંબંધીઓએ ખૂબ જ લાડથી એ દીકરીને આવકારી. તેનું નામ મણિકરણીકા રાખવામાં આવ્યું. પણ સહુ એને મનુ કહીને જ બોલાવતાં. જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે, “આ કન્યા રાજપાટનાં સુખ ભોગવશે, તેમજ અનુપમ શૌર્ય શાલીન થશે.”

ધીમે ધીમે મોટી થઈ રહેલી કન્યાના પિતા જ્યાં નોકરી કરતા હતા તે ચીમાજી આયા સાહેબનું અવસાન થઈ ગયું. તેમની આજીવિકાનું સાધન જતું રહ્યું. સાથે સાથે તેમણે પોતાને મળેલ ઘર પણ છોડવું પડ્યું. આ સંકટના સમયમાં તેમને બાજીરાવ પેશ્વાએ આશરો આપ્યો. માંડ આમાંથી બહાર આવ્યા ત્યાં ચાર વર્ષની મનુને છોડીને એની માતા સ્વર્ગે સિધાવી ગઈ.  પરંતુ પિતાએ પોતાની જાતને સાચવી લીધી અને બાળકીને ઉછેરવા લાગ્યા. એ જ્યાં જતા ત્યાં મનુ સાથે જ હોય. આથી એ નાનપણથી જ પુરુષોની વચ્ચે રહી મોટી થઈ. બાજીરાવની એ લાડલી હતી. તેઓ મનુને પ્રેમથી છબીલી કહીને બોલાવતા.

બાજીરાવ બીજાના દત્તક પુત્રો નાના સાહેબ અને રાવસાહેબ સાથે રમીને જ મનુ મોટી થતી ગઈ. આથી તેઓની સાથે એ પણ ઘોડેસવારી, તલવારબાજી અને યુદ્ધની અન્ય કલાઓ શીખી હતી.

લગ્ન:-

તેમનાં લગ્ન ઝાંસીનાં રાજા ગંગાધરરાવ નિવાલકરની સાથે થયેલાં. આથી મનુ હવે ઝાંસીની રાણી તરીકે ઓળખાવા લાગી. ઈ. સ. 1851માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો. કમનસીબે ચાર માસનો થતાં જ આ પુત્ર મૃત્યુ પામ્યો હતો. આનાં બે વર્ષ બાદ એટલે કે ઈ. સ. 1853માં તેમનાં પતિ પણ મૃત્યુ પામ્યા. આથી બધાંએ તેમને પુત્ર દત્તક લેવાનું કહ્યું. તેમણે પુત્ર દત્તક લીધો અને એનું નામ રાખ્યું હતું દામોદરરાવ. મનુને તેનાં પતિએ જ લક્ષ્મીબાઈ નામ આપ્યું હતું. આથી તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાઈ.

આ સમયે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું. ગંગાધરરાવનાં મૃત્યુ સમયે ડેલહાઉસીની ખાલસા નીતિ અમલમાં હતી. આ નીતિ ખોટાં ખોટાં નિયમો બનાવી ભારતીય રાજ્યોને ખાલસા કરી અંગ્રેજ રાજ્યમાં ભેળવી દેતી હતી. આ જ નીતિ હેઠળ તેણે રાણીના દત્તક પુત્ર દામોદરરાવને ઝાંસીનો વારસદાર ગણવાની ના પાડી દીધી. કોઈ સ્ત્રી રાજ કરે એ પણ એને મંજુર ન હતું. આથી તેણે ખાલસા નીતિ હેઠળ ઝાંસીને અંગ્રેજ રાજમાં ભેળવી દેવાનું નક્કી કર્યું.

આની વિરૂદ્ધ રાણી લક્ષ્મીબાઈએ લંડનની કોર્ટમાં મુકદમો દાખલ કર્યો. ઘણી દલીલો અને સાક્ષીઓ બોલાવ્યાં પછી પણ રાણીના પુત્રનો સ્વીકાર ન થયો અને તેઓ કેસ હારી ગયાં. અંગ્રેજોએ રાજાનો મહેલ, ખજાનો બધું કબજે કરી લીધું. રાણીએ ઝાંસીનો કિલ્લો છોડી ત્યાંના રાણી મહેલમાં જતાં રહેવું પડયું. અંગ્રેજ સરકારે રાણીને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ નીડર રાણીએ એનો અસ્વીકાર કરેલો અને કહ્યું હતું, “મેં અપની ઝાંસી નહીં દૂંગી.” અંતે 4 જૂન, 1856નાં રોજ ‘મીરતનાં બળવા’ વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો ફરીથી જીતી લીધો. ફરીથી ખુમારીપૂર્વક રાજ કરવા લાગ્યા.

આમ છતાં પણ તેઓ હિંમત હાર્યા નહોતાં. ઈ. સ. 1857નાં વિપ્લવનું મુખ્ય કેન્દ્ર ઝાંસી હતું. ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ સમયે ઝાંસીની રક્ષા કરવા લક્ષ્મીબાઈએ સેના ઊભી કરવા માંડી. તેમાં તેણે પુરુષો ઉપરાંત સ્ત્રીઓની પણ ભરતી કરવા માંડી. સ્ત્રીઓને પણ તેણે શસ્ત્ર ચલાવવાની તાલિમ આપી. યુદ્ધનું પ્રશિક્ષણ પણ સ્ત્રીઓને આપ્યું.

ઈ. સ. 1857નાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડોશી રાજ્યો ઓરછા અને હતિયાનાં રાજાઓએ ઝાંસી પર આક્રમણ કર્યું, પરંતુ રાણીએ તેમને ખૂબ જ સફળતાપૂર્વક હરાવ્યા. ઈ. સ. 1858નાં જાન્યુઆરી મહિનામાં અંગ્રેજોએ ઝાંસી તરફ આગળ વધવા માંડ્યું અને માર્ચ મહિનામાં તેઓ ઝાંસીને ઘેરી વળ્યા. પંદર દિવસનાં યુદ્ધ પછી તેમણે આખા ઝાંસી શહેર પર કબ્જો કરી લીધો. રાણી લક્ષ્મીબાઈ પોતાનાં પુત્રને લઈને ભાગવામાં સફળ થઈ ગયાં. ત્યાંથી ભાગીને તેઓ પોતાનાં નાનપણનાં મિત્ર એવા તાત્યા ટોપે પાસે કાલખી પહોંચ્યાં.

હાર મેળવ્યા બાદ ઓરછાનાં રાજાએ બદલો લેવા માટે અંગ્રેજો સાથે હાથ મેળવી લીધો હતો. અંગ્રેજોને રાણી વિરૂદ્ધ ભડકાવવામાં તેણે કોઈ કચાશ રાખી ન્હોતી. અંગ્રેજોએ રાજા સાથે મળી દગાથી ઝાંસીનાં કિલ્લા પર હુમલો કર્યો. અંગ્રેજો આધુનિક શસ્ત્ર સરંજામથી સજ્જ હતાં, જ્યારે રાણી પાસે તલવાર કે દેશી દારૂગોળા જેવા હથિયારો અને વફાદાર, જાંબાઝ સૈનિકો હતાં. અચાનક થયેલાં આ હુમલાથી ગભરાઈ જવાને બદલે તે સૌએ ખૂબ જ બહાદુરીથી અંગ્રેજોનો સામનો કર્યો હતો. રાણી લક્ષ્મીબાઈએ પોતાનાં પુત્રને મજબૂત રીતે એક મજબૂત કપડાંની મદદથી પોતાની પીઠ પર બાંધ્યો હતો. ઘોડાની લગામ મોંમાં દાંત વચ્ચે રાખી બે હાથે તલવાર ચલાવતી એ અંગ્રેજ સૈનિકોનો ખાત્મો બોલાવતી હતી.

રાણીએ ગ્વાલિયરનાં રાજાની મદદ માંગી હતી, પરંતુ એ રાજાએ મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સતત ત્રણ દિવસ સુધી અંગ્રેજો સામે લડત આપીને રાણીની સેના થાકી ગઈ હતી. ઈ. સ. 1857નાં 17 જૂનના રોજ રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોથી ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. છતાં તે પોતાનાં સાહસનું પ્રદર્શન કરતી કરતી અંગ્રેજ સૈનિકોનો ખાત્મો બોલાવી રહી હતી. અચાનક જ એક અંગ્રેજ સૈનિકે એને પાછળથી માથામાં જોરદાર ફટકો માર્યો. રાણીની એક આંખ બહાર આવી ગઈ હતી. છતાં પણ હિંમતભેર એણે તે અંગ્રેજને મારી નાંખ્યો. અનેક ઘાથી તેનું શરીર ચારણી જેવું થઈ ગયું હતું. તે નજીકમાં જ આવેલી નદીનાં સાંકડા વહેણમાં ફસડાઈ પડી.

મૃત્યુ:-

અંતે 18 જૂન 1857નાં રોજ આ બહાદુર નારીનું અવસાન થઈ ગયું. આજે પણ જ્યારે કોઈ સ્ત્રી અસહજ બહાદુરી બતાવે છે ત્યારે તેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જ ઉપમા આપવામાં આવે છે.

જો આ નીડર સ્ત્રીને પોતાનાં જ સાથી રાજ્યોનો સાથ મળ્યો હોત તો અંગ્રેજો કદાચ તે સમયે જ ભારત છોડી ચૂક્યાં હોત.

આ વીર બહાદુર સ્ત્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદન🙏

FAQ (પ્રશ્નોતરી):-

Q1 : રાણી લક્ષ્મીબાઈના ઘોડાનું નામ શું હતું?

Ans :ઝાંસીની રાણી મુખ્યત્વે પવન, બાદલ અને સારંગી નામના ત્રણ ઘોડાઓનો ઉપયોગ કરતી હતી, એવું પણ કહેવાય છે કે જ્યારે રાણીએ બાદલ પર સવાર થઈને મહેલની ઊંચી દીવાલ પરથી કૂદકો માર્યો ત્યારે બાદલ નામના ઘોડાએ પોતાના પ્રાણ ત્યાગીને ૫ણ રાણી લક્ષ્મીબાઇનો જીવને બચાવ્યો હતો.

Q2 : રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ કઇ રીતે થયું હતું?

Ans : 18 જૂન 1858ના રોજ, ગ્વાલિયર નજીક કોટાની સરાઈ ખાતે બ્રિટિશ સેના સામે લડતી વખતે રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું હતું.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો રાણી લક્ષ્મીબાઈનો જીવન૫રિચય વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment

error: