money essay in gujarati :- “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.” આ કહેવત તો સાંભળી જ હશે ને ! ચાલો હજુ એક પ્રચલિત કહેવત કહું “નાણાં વગરનો નાથિયોને’નાણે નાથા લાલ.” હજુ એક કહેવત “પૈસા ખુદા નથી,પણ ખુદાથી કમ પણ નથી.” આ બધી કહેવતો સમાજના અનુભવોથી જન્મેલી છે જે રૂપિયા-કમાણીનું માનવ સમાજમાં શુ મહત્વ છે એ સમજાવે છે. પૈસાનું મહત્વ શુ છે ? એ વિશે વધુ લખવાની જરૂર છે ખરી !
અમારા આ મહિને 65000 રૂપિયા કમાય છે,મારા દીકરાને કેનેડામાં 3 લાખ રૂપિયા કમાણી છે,મોટા ભાગે આપણે જ્યાં જઈએ ત્યાં આવી વાતો સાંભળવા મળે છે.બાળક ભણવા જાય ત્યારે પણ એજ હેતુથી આપણે ભણાવીએ છીએ છે કે “મોટો થઈને કઈક સારી કમાણી કરે અને સુખી જીવન જીવે.” સાચું ને ?પૈસો જીવનની જરૂરીયાત છે અને એના માટે લોકોની આખી જિંદગી ખપી જાય છે.પણ જુના જમાનામાં લોકો સંતોષી જીવના હતા એટલે જેટલું કમાય એટલું વાપરે અને થાય એટલી બચત કરે.સાથે સાથે એકબીજાને મદદ પણ કરે.અને આજનો જમાનો રોકેટની સ્પીડમાં આગળ વધી રહ્યો છે ત્યારે “કમાણી બમણી” જોઈએ છે ને બધાને ?
આજે 10 હજાર કમાય એને પણ તકલીફ છે અને 1 લાખ કમાય એને પણ તકલીફ છે.એટલે અમુક ઘરોમાં તો બધા જ નોકરી કરે છે.અને આ બાબત કઈ ખોટી પણ નથી.આ મોજ શોખ અને મોંઘવારીવાળા સમયમાં નવરા બેસીને ઓટલા તો ન જ તોડાય.
તમે સર્કસમાં પછી રોડ પર નાના નાના બાળકો પોતાની જિંદગી દાવ પર લગાવી કરતબ કરતા હોય છે.ખરેખર “પેટ કરાવે વેઠ.” કેટલાક લોકો ભીખ માગીને પણ જિંદગી જીવતા હોય છે.પણ આ બધું એક દ્રષ્ટિએ સારું છે કે ચાલો કઈકના કઈક કરીને જીવન તો ગુજારે છે લોકો.
કમાણી બમણી ? .. પૈસા કમાવાનો શોર્ટ કટ (money essay in gujarati)
ટાઇટલ જ “કમાણી બમણી ?”વાંચીને આપણને થાય કે “સાલું,વાંચીએ તો ખરા !, કેમ કરતા કમાણી બમણી થાય છે. આજકાલ સોશિયલ મીડિયામાં ઘર બેઠા કમાવાના,ઓનલાઈન કમાવાના ખૂબ મેસેજ વાઇરલ થાય છે જે તમને પણ મળ્યા જ હશે.અને એમાં કેટલી સત્યતા હોય છે એ હવે લોકો જાણી પણ ગયા છે.સમજદાર કો ઈસારા હી કાફી,ઓનલાઈન કમાવાના ચક્કરમાં ઘણાના બેંક ખાતા ખાલી થઈ ગયા છે.એટલે તમે પણ જરાક ચેતજો.
ભારતમાં એક વર્ગ એવો છે જેના બાળકો બાળમજૂરી કરી રહ્યા છે અને એક વર્ગ એવો છે કે જેમના બાળકો બધી સગવડો ભોગવી ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે. આટલે સુધી તો બધું હું બરાબર સમજુ છું પણ હવે એક ત્રીજો વર્ગ જન્મ્યો છે જેને આપણે એવું કહીએ કે “મોબાઈલ પેઢી.” આજે બચપણથી જ બાળકો ટેકનોલોજીના ગુલામ થઈ ગયા છે. અને આ બાળકો થોડા મોટા થાય પછી મોબાઈલ પર આવતી લોભામણી જાહેરાતોમાં ફસાય છે. અને ના કરવાનું કરી બેસે છે. હમણાં જ સમાચાર મળ્યા હતા કે “એક છોકરા એ PUB G ગેમના રવાડે ચડી પોતાની માતાને જ મારી નાખી.” આજના બાળકો થોડામાં ચલાવી લેતા નથી એમને બધા પ્રકારના મોજશોખ કરવા જોઈએ છે અને એટલા પૈસા હોતા નથી. કેમકે એ કમાતા નથી અને ઘરેથી જોઈએ એટલા પૈસા મળતા નથી. તો આવા બાળકો કમાણી બમણી કરવા માટે આજકાલ ઓનલાઈન રમતો, જુગાર, સટ્ટા, ક્રિકેટ ટિમ એપ, શેરબજારના રસ્તે ચડયા છે. જ્યાં પૈસા ડબલ કરવાની ગણતરીઓ કરીને એ કલ્પનાઓમાં જીવી રહ્યા હોય છે. હવે પૈસા કમાવાના આ શોર્ટકટમાં એ એટલા પૈસા ખોઈ બેસે છે કે એમનું પોતાનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. લોકો પાસેથી ઉછીના લીધેલ પૈસા આપવા માટે એ ઘરમાં ચોરીઓ કરે છે,કાતો પછી પોતાની શાળા-કૉલેજમાં ચોરી કરતા થાય છે. અને આમ એક સારા વિદ્યાર્થીમાંથી સમાજ માટે નડતર રૂપ નાગરિકનો જન્મ થાય છે. કેટલાક બાળકો આર્થિક બોઝ સહન ન કરી શકે ત્યારે આત્મહત્યા તરફ જાય છે.માં-બાપ પણ વિચારે ચડી જાય છે કે 18 વર્ષની ઉંમરે 2 લાખ રૂપિયા દેવું ?. પણ આ બધી વાતો તમે પણ ન્યૂઝ પેપરમાં વાંચતા જ હશો.
તમારા ઘરે પણ બાળકો હશે જ ને ? કદી તમે વિચાર કર્યો કે મોજશોખથી જીવતા આપણા આ બાળકો કમાણી બમણી કરવાના ચક્કરમાં તો નથી ફસાયાને ? વહેલી તકે આ બાબત પર વિચારજો નહીતો પરિણામ ખોટા આવશે. અને ત્યારે ખૂબ મોડું થઈ જશે.આજકાલ ઓનલાઈન શિક્ષણના નામે બાળકો મોબાઈલ -લેપટોપ વાલીઓ પાસેથી સરળતાથી માંગી લે છે.પણ વાલી તરીકે તમે ક્યારેય જોયું કે ઈન્ટરનેટ પર આપણું સંતાન શુ કરી રહયુ છે ? ક્યારેય સર્ચ હિસ્ટ્રી તપાસી ? ક્યારેય સંતાઈને જોયું કે બાળક ભણી રહ્યું છે કે પછી કઈક બીજા જ ધંધે ચડેલ છે. તપાસ જરૂર કરજો,આપણું બાળક હમેશા આપણા માટે વ્હાલનો દરિયો છે પણ એને જ્યાં લાલ આંખ દેખાડવી પડે ત્યાં પાછા ન પડતા.
money essay in gujarati
હમણાં એક મિત્રનો છોકરો ધાબે ચડીને એની મમ્મીને ફોન કરી બહાર બોલાવે છે અને ફોનમાં જણાવે છે કે “મને આઈફોન લઈ આપો નહીતો હું અત્યારે જ ધાબેથી કૂદકો મારું છું.” માં ગભરાઈ ગઈ અને છવટે 16 વર્ષના એના બાળક માટે 73હજારનો આઈફોન લેવો પડ્યો. તમે યાદ કરો 5 રૂપિયાની પેન લેવા માટે પણ તમારી હાલત માં-બાપ સામે કેવી થતી હતી ? યાદ છે ને નવો કંપાસ લેવો હોય ત્યારે ઘરમાં કેટલા દિવસ માર ખાવો પડતો હતો અને આજે બાળકો વાલીઓ-શિક્ષકોને પણ પી ગયા છે.જે કોઈનું માનવા તૈયાર જ નથી. વર્ગખંડમાં ભારતનું ભાવિ ઘડી રહેલ શિક્ષકોએ જ્યારથી સોટી મૂકી છે ત્યારથી જ બાળકો એ બંદૂકો પકડી છે.
જો તમારા ઘરે 5 થી 14વર્ષનું સંતાન છે તો વાલી તરીકે તમે શું કાળજી રાખશો,આમ તો આ બાબતે લખવું ન જોઈએ કેમકે દરેક માં-બાપ પોતાના બાળકની કાળજી લેતા જ હોય છે છતાં આજના આધુનિક યુગમાં બનતા કિસ્સા આપણા ઘરે ન બને એટલે અમુક બાબતોએ ધ્યાન જરૂર દોરીશ.
-બાળકના તમામ મિત્રોને તમે ઓળખતા હોવા જોઈએ.
-બાળકની નિશાળમાં મહિનામાં એકવાર જરૂર મુલાકત લેવી જોઈએ.
-બાળકને આપવામાં આવતા પૈસાનો હિસાબ જરૂર લેવો જોઈએ.
-બાળકની તમામ માંગણીઓ પુરી ન કરવી અને તેને પૈસાનું હમેશા મહત્વ સમજાવું જોઈએ.
-શાળા સમય સિવાય બાળક વહેલો મોડો આવે છે તો એના પર ધ્યાન રાખો.
-બાળક વ્યસને ચડી નથી ગયો એની તપાસ રાખો.
-બાળકનું દફતર અને મોબાઈલ હમેશા ચેક કરો.
-દીકરો-દીકરી પ્રેમના ચક્કરમાં નથી ફસાયા એ જોતાં રહો.
-હરોજ બાળકને 1 કલાક સમય આપો,કેમકે તમે એને સમય નહિ આપો તો જ એ કઈક ખોટા કામ કરશે.
-બાળક સામે કોઈપણ પ્રકારનું વ્યસન કે ઝગડા ન કરો.
-નાની ઉંમરે બાળકને ટુ વહીલર-ફોર વહીલર ન શીખવો.
-માતા-પિતા,ગુરુ,વડીલો પ્રત્યે આદર શીખવો.
-સત્ય,પ્રમાણિકતા,આધ્યાત્મિકતા અને માનવતાના પાઠો શીખવો.
-તમારી જીદ કે સપના બાળકો પર ઠોકી ન બેસાડો.
-વર્ષે એકાદવાર બાળકને પ્રવાસે લઈ જાઓ.
-નાની ઉંમરે જ પૈસો,કમાણી,મહેનત વિશે પાઠ શીખવો.
-મહેનત વગર પૈસો નથી અને પૈસા કમાવા કોઈ ખોટા ધંધે ન ચડવું એ શીખવો.
-તમે જે પણ કામ કરતા હો એમાં એની પાસે કામ કરાવો.
-કોઇપણ કામ નાનું મોટું નથી એ એને સમજાવો.
-પોતાની ગરીબી,માં-બાપથી બાળક શરમ ન અનુભવે એ એને હમેશા યાદ કરાવો.
વિવેકાનંદ,શિવાજી,મહારાણા પ્રતાપ આપણી જ ધરતી પર જન્મ્યા છે અને આપણી જ માં ના સંતાન છે. શુ તમારું બાળક એવુ ન બની શકે ? પ્રયત્ન તો કરો બાકી બાળકો તો પશુ-પંખીઓના પણ હોય જ છે. વ્યસન, ફેશન અને ટેંશનમાં જિંદગી બરબાદ ન થાય એજ શુભેચ્છાઓ સાથે મહાદેવ હર. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે.
લેખક:- ✒️Veer Raval “લંકેશ.” એક શિક્ષક
હું આશા રાખું છું કે તમને અમારો કમાણી બમણી ? .. પૈસા કમાવાનો શોર્ટ કટ (money essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.